ચોમાસામાં ડાંગ પ્રકૃતિ સોળે કળાએ ખીલી, અંજન ગુફા અને ધોધ જોવા પ્રવાસીઓની ભારે ભીડ
Dang News : ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ કુદરતી સૌંદર્ય ચરમસીમાએ પહોંચ્યું છે. ચારેય તરફ પથરાયેલી હરિયાળી, ધુમ્મસભર્યું વાતાવરણ અને ઊંચા પહાડો પરથી વહેતા સફેદ દૂધ જેવા ઝરણાં પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. ચોમાસાની આ ઋતુમાં સમગ્ર ડાંગ પંથક જાણે પ્રકૃતિની સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વીકએન્ડ શરૂ થતાં જ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારો પ્રવાસીઓ અહીંની સુંદરતા માણવા ઉમટી પડ્યા છે.
Dang Monsoon Tourism : અંજન કુંડ અને અંજન ગુફા બન્યા આકર્ષણનું કેન્દ્ર
ચોમાસાના આગમન સાથે જ ડાંગના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા અંજન કુંડ અને અંજન ગુફા ખાતે પર્યટકોનો ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીં વહેતા અદભુત ધોધના કારણે અંજન ગુફા હાલ પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. કુદરતના ખોળે વસેલી આ જગ્યાના નજારા લોકોને માનસિક શાંતિનો અનુભવ કરાવી રહ્યા છે.
ધોધની પાછળ ઊભા રહી નજારો જોવાનો અનોખો રોમાંચ
અંજન ગુફા અને ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓએ આશરે 1 થી 2 કિલોમીટર સુધીનું સુંદર ટ્રેકિંગ કરવું પડે છે. આ ટ્રેકિંગ રૂટ પર પ્રકૃતિને એકદમ નજીકથી જોવાનો લહાવો મળે છે. અહીં આવતા પર્યટકો માટે સૌથી ખાસ અનુભવ ધોધની બરાબર પાછળ ઊભા રહીને પડતા પાણીની વચ્ચેથી કુદરતી નજારો જોવાનો છે. પ્રવાસીઓ આ યાદગાર પળોને પોતાના કેમેરા અને સેલ્ફીમાં કેદ કરતા નજરે પડી રહ્યા છે.
ગુજરાત પ્રવાસન (Gujarat Tourism) માટે ડાંગ બન્યું હોટસ્પોટ
ડાંગ જિલ્લામાં સાપુતારા સિવાય પણ અનેક એવા છુપા પ્રકૃતિના ખજાના છે જે ચોમાસામાં જીવંત થઈ ઉઠે છે. ડાંગના વિવિધ ધોધોમાં હાલ અંજન ધોધ પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયો છે. જો તમે પણ ચોમાસાની ઋતુમાં શહેરી કોલાહલથી દૂર જઈ ટ્રેકિંગ અને વોટરફોલનો અનોખો આનંદ માણવા માંગતા હોવ, તો ગુજરાતનું આ મિની કાશ્મીર એટલે કે ડાંગ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે.
Follow Us:
