ડાંગના આકાંક્ષી બ્લોક સુબિરમાં ડિજિટલ ક્રાંતિ: પ્રોજેક્ટ સંકલ્પ’ હેઠળ 26 શાળાઓના 4,500 આદિવાસી બાળકો આધુનિક શિક્ષણ તરફ અગ્રેસર
ડાંગ ન્યૂઝ : ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલો સુબિર વિસ્તાર પોતાની અદ્ભુત કુદરતી સુંદરતા અને સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતો છે. જો કે, લાંબા સમયથી આ વિસ્તાર નીચો સાક્ષરતા દર, મોસમી સ્થળાંતર અને ગુણવત્તાયુક્ત શિક્ષણના અભાવ જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. ભારત સરકારના મહત્વાકાંક્ષી 'આકાંક્ષી બ્લોક કાર્યક્રમ' (Aspirational Block Programme) હેઠળ પસંદ કરાયેલા આ સુબિર ક્ષેત્રમાં હવે એક મોટો અને હકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે.સંસ્થાઓના પરસ્પર સહયોગ અને ડિજિટલ પહેલના કારણે સુબિરના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે.
પ્રોજેક્ટ સંકલ્પ’ દ્વારા ક્લાસરૂમ બન્યા સ્માર્ટ
વર્ષ 2023માં પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન (Pratham InfoTech Foundation) દ્વારા L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (LTPCT) અને LTIMindtree ના સહયોગથી ‘પ્રોજેક્ટ સંકલ્પ’ (Project Sankalp) ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના માધ્યમથી એવા વર્ગખંડો સુધી ડિજિટલ ટેકનોલોજી પહોંચાડવામાં આવી છે જ્યાં અગાઉ ક્યારેય કોમ્પ્યુટર શિક્ષણ ઉપલબ્ધ નહોતું.
હાલમાં સુબિર બ્લોકની 26 શાળાઓના આશરે 4,500 થી વધુ આદિવાસી બાળકો સેન્ટર મોડલ અને મોબાઈલ વેન મોડલ (Van Models) દ્વારા કોમ્પ્યુટર આધારિત શિક્ષણ (Computer-Aided Learning) મેળવી રહ્યા છે. આ ડિજિટલ લિટરસી બાળકોમાં એક મહત્વપૂર્ણ લાઈફ સ્કિલ તરીકે વિકસી રહી છે.
વરિષ્ઠ અધિકારીઓએ લીધી ગ્રાઉન્ડ વિઝિટ
સુબિરમાં આવી રહેલા આ શૈક્ષણિક પરિવર્તનને પ્રત્યક્ષ નિહાળવા માટે તાજેતરમાં લાઈન એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. બે દિવસીય મુલાકાત દરમિયાન LTIMindtree ના ઇએસજી ગ્લોબલ હેડ (મેનેજર વસીમ બાગવાન, તેમજ LTPCT ના વરિષ્ઠ પ્રોગ્રામ મેનેજર જ્યોતિ નિમ્ભોરકર, પ્રોગ્રામ કોઓર્ડિનેટર અરુણ કુન્નાપલ્લી અને સંદીપ ભટ્ટ સહિતના મહાનુભાવોએ વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

વિદ્યાર્થીઓએ વર્ડ, એક્સેલ અને STEM પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું
આ મુલાકાત દરમિયાન ‘જારસોલ પ્રાથમિક શાળા’ ના નાના બાળકો શૈક્ષણિક સોફ્ટવેરની મદદથી ભાષા અને ગણિતની ગેમ્સ ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક રમતા જોવા મળ્યા હતા. જ્યારે ‘બીલીઆંબા શાળા’ ના મોટી ઉંમરના વિદ્યાર્થીઓએ માઇક્રોસોફ્ટ વર્ડ (Word) અને એક્સેલ (Excel) નો ઉપયોગ કરીને આકર્ષક STEM પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા, જેને જોઈને અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આદિવાસી બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ દર્શાવે છે કે ડિજિટલ લર્નિંગ ક્લાસરૂમનું ચિત્ર બદલી રહ્યું છે.
આ અંગે પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આદિવાસી બાળકો સુધી ડિજિટલ સુવિધા પહોંચાડવાની આ સફરનો હિસ્સો બનવું તે ગર્વની વાત છે. LTPCT અને LTIMindtree જેવા સહયોગી ભાગીદારો સાથે મળીને સુબિર બ્લોક હવે ઝડપથી પ્રગતિ અને પરિવર્તનના પંથે આગળ વધી રહ્યો છે.
Follow Us:
